હું આવો નાસ્તો નહીં ખાઉં




‘અરે દેવાંગ ! આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો ? તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો ! રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે ? કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં મગજ ક્યાંથી ચાલે ? રોજ કાંઈને કાંઈ ભૂલી જ જાય છે… ઘેર આવતાં તો બપોરે બે અઢી થઈ જાય છે, ભૂખ્યા પેટે ચક્કર ન આવે ! લે… મૂકી દે આ ડબ્બો. ક્યાં ગયું તારું દફ્તર ?’
‘મમ્મી ! મારે નાસ્તો નથી લઈ જવો. મને આવું ખાવાનું જરાય ગમતું નથી. આ શું રોજને રોજ થેપલા, શાક, ઢેબરા, છુંદો, ઢોકળા ને હાંડવો નહીં તો મુઠીયા. મમ્મી હું આવું કશું ખાવાનો નથી… તને ખબર છે? બીજા છોકરાંઓ તો પાસ્તા, મેક્રોની, બર્ગર અને કેવો નાસ્તો લઈ આવે છે ? મને તો એમને ખાતાં જોઈ મોંમાં પાણી આવે છે, મારો ડબ્બો જોઈને તો ક્યારેક છોકરાંઓ મોં બગાડે છે ને નહીં તો મશ્કરી કરે છે… મને પણ રોજ એવો જ નાસ્તો લઈ જવો છે.’
‘બેટા ! તે દિવસે સ્કૂલમાં મીટિંગમાં પ્રિન્સીપાલે શું કહ્યું હતું તેં સાંભળ્યું હતું ને ! તમારા ડબ્બા રોજ જોવાનાં છે, ને ‘જેનાં ડબ્બામાં પૌષ્ટિક નાસ્તો હશે તેને ખાસ માર્ક્સ મળશે.’ એવું કહ્યું હતું ને ! સ્કૂલના નિયમોનું તો પાલન કરવું જ જોઈએ ને !’
‘મમ્મા ! એવું બધું ન હોય… બધા કંઈ એવું કરતાં નથી… એમને કોઈ કંઈ શિક્ષા કરતાં નથી…’
‘પણ માર્ક્સ તો કપાતાં હશે ને !’
‘કોને ખબર !’
‘પણ બેટા ! રોજરોજ સવારનાં આટલા વહેલા આવું બધું બનાવવાનું મને ઓછું ફાવે ! મારેય જોબ પર વહેલા જવાનું હોય છે ને !’
‘તે દાદીને કહે… કરી આપે.’
‘બેટા ! દાદીની ઉંમર કેટલી થઈ તને ખબર છે ? એમનાથી હવે બધું થાય ખરું ? એમને એવું કરવાનું કેવી રીતે કહેવાય !’
‘એ હું કંઈ ન જાણું… પણ મા… હવે હું આવો સીધો સાદો નાસ્તો નથી જ લઈ જવાનો…’ અને એમ ગુસ્સો કરતો કરતો દેવાંગ સ્કૂલે જવા નીકળ્યો.
ધોરણ ત્રણ-ચાર સુધી હજી બહુ વાંધો નથી આવતો પણ પાંચમામાં આવે અને કિશોરાવસ્થાને ઉંબરે છોકરાં પગ મૂકે એટલે એમના જાતજાતનાં પ્રશ્નો ઊભા થાય છે. નાના હોય ત્યાં સુધી તો કહ્યું માને, ભણી પણ લે, હા, રમતિયાળ હોય… એ તો બાળક માટે સ્વાભાવિક જ પણ એ બધું સંભાળી શકાય તેવું હોય છે પણ કિશોરાવસ્થા શરૂ થતાં હોર્મોન્સમાં ફેરફાર થાય… એની એના સ્વભાવ, વ્યક્તિત્વ, બધાં પર અસર થાય… એને ‘ગમા’ ‘અણગમા’ વધતાં જાય… બીજાં શું કહેશે ! ચાર મિત્રો વચ્ચે એનો વટ પડે એવુંય એને સતત મન થાય છે અને એટલે સ્કૂલના નિયમો, મમ્મી, પપ્પાની કે વડીલોની અનુકૂળતા આ બધાનું મહત્વ તેને મન ઓછું થઈ જાય છે. પણ… હજી એ નાદાન છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ જીવનનું એ મહામૂલું સત્ય પણ આપણે એને સમજાવવું તો પડશે જ એન !
આજની આ ઊગતી પેઢીને દિવસમાં એક વાર પણ દાળ, ભાત, રોટલી ને શાક ખાતાં અકળામણ થાય છે. નાકનું ટેરવું ચડી જાય છે પણ આરોગ્યની દ્રષ્ટિએ એક ટંક પણ એવો પૌષ્ટિક અને સમતોલ ખોરાક ખાવાની ટેવ તો પાડવી જ પડશે ને ! આજે કેટકેટલા નાના લોકોને પણ કેવી કેવી બીમારીઓ, અરે ! હાર્ટની બીમારી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર… આ બધાંમાંથી આપણે એમને બચાવવા જ પડશે ને ! આરોગ્ય માટે જરૂરી એવો શારીરિક શ્રમ તો તેઓ કરતાં જ નથી… કારણ કે ટી.વી., ઇન્ટરનેટ, સેલફોન એ બધાંએ અફીણમાં ઘેનની જેમ તેમને બંધાણી કરી નાખ્યા છે. એટલું જ નહીં પણ ટી.વી.ના કાર્યક્રમોએ તો એમનાં મગજની શાંતિને પણ હણી લઈને સતત સ્ટ્રેસમાં જીવતાં કરી દીધાં છે. આપણાં આ સંતાનો એમનાં વ્યક્તિત્વનાં સર્વાંગી વિકાસ માટે અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જરૂરી મહેનત ક્યા બળને આધારે કરી શકશે !

No comments:

Post a Comment

Any Message frome Awesome Creative