પાછલી ઉંમરના મહત્વના બે સવાલ





૧. પાછલી ઉંમરે પુનર્લગ્ન કરવાં જોઈએ ?
યુવાનીમાં વાસના માટે અને બુઢાપામાં હૂંફ માટે લાઇફ-પાર્ટનરની અનિવાર્યતા હોય છે, પરંતુ કેટલાક બદનસીબ માણસોને માત્ર ને માત્ર લાઇફ-પાર્ટનર જ મળે છે. તેમને યુવાનીમાં ન તો વાસનાતૃપ્તિ મળે છે કે ન તો બુઢાપામાં હૂંફ મળે છે. તેમની દશા સમૃદ્ધ ભિખારી જેવી હોય છે. કહેવા પૂરતું બધુંય તેમની પાસે હોય છતાં ભીતરથી સાવ ખાલીખમ ! કેટલાક લોકોને લાઇફ-પાર્ટનર માત્ર ગેરસમજ કરવા માટે જ મળ્યો હોય છે, તો કેટલાક લોકોને લાઇફ-પાર્ટનર તેની સમજ પ્રમાણે મજબૂરીથી જીવવા માટે જ મળ્યો હોય છે.
લાઇફ-પાર્ટનર તો એવો હોવો જોઈએ જેની ડગલે ને પગલે ઝંખના રહે, ગરજ રહે; લેકિન-કિન્તુ-પરંતુ કેટલાક અભાગિયા લોકોને એવો લાઇફ-પાર્ટનર મળ્યો હોય છે કે એ જેટલી ક્ષણો દૂર હોય એટલી ક્ષણો તેઓ નિરાંતે જીવી શકે છે. લાઇફ-પાર્ટનર નજીક હોય ત્યાં સુધી તેમને અસહ્ય ઉચાટ અને અજંપો રહે છે.
માણસની સૌથી મોટી જરૂરત હૂંફ પામવાની છે. ભલે કોઈ મોટો કરોડપતિ હોય પણ જો એ આદમીને લાઇફ-પાર્ટનર પાસેથી ચપટી હૂંફ ન મળતી હોય તો તે સૌથી દરિદ્ર માણસ છે. એથી ઊલટું, ભલે કોઈ માણસ સાવ કંગાળ હોય, પણા જો તેને લાઇફ-પાર્ટનર તરફથી ભરપૂર હૂંફ મળી રહેતી હોય તો તે કરોડપતિ કરતાંય અધિક સુખી છે.
હૂંફ આપવી એ લાઇફ-પાર્ટનરનો ધર્મ છે અને હૂંફ પામવી એ તેનો હક છે. જ્યાં આવી હૂંફ નથી હોતી ત્યાં દામ્પત્યજીવન નંદવાય છે અને છૂપાં કે છાનાં ગાબડાં પડવા માંડે છે. કેટલાંક કપટી-સ્વાર્થી લાઇફ-પાર્ટનર હૂંફ આપવાની ત્રેવડ નથી ધરાવતાં, ઊલટાનું પરસ્પરને હડસેલા માર્યા કરે છે ! જાણે તેમણે ઘુરકિયાં કરવા માટે અને નખોરિયાં ભરવા માટે જ અવતાર લીધો હોય !
ટ્રૅજડી તો એ છે કે આવા નફ્ફટ લાઇફ-પાર્ટનરથી જલદી મુક્તિ નથી મળતી અને સાચી હૂંફ આપનારા – આપણને પ્રેમથી તરબોળ કરી દેનારા લાઇફ-પાર્ટનર આપણને મઝધારમાં મૂકીને ચાલ્યા જાય છે ! જેની સાથે એક પળ પણ જીવવું વસમું છે તેની સાથે જિંદગીભર ઢસરડા કરવા પડે છે અને જેના વગર એક પળ પણ જીવવું અકારું છે તેનો વિયોગ વેઠવાનો આવે છે.
ઘણા લોકો પાછલી ઉંમરે લાઇફ-પાર્ટનર ખોઈ બેઠા હોવાથી એકાકી જીવન સહન કરતા હોય છે. સંતાનોય હોય અને સંતાનોનાં સંતાનોય હોય, છતાં લાઇફ-પાર્ટનર વગરની એકલતા અભિશાપ બની રહે છે. એવા જ એક વડીલ મુરબ્બીએ પૂછ્યું કે ‘પાછલી ઉંમરે પુનર્લગ્ન કરવાં જોઈએ કે નહીં ?’ આ વડીલના પ્રશ્નનો જવાબ વ્યક્તિગત પણ હોઈ શકે અને સાર્વત્રિક પણ હોઈ શકે.
જે વ્યક્તિને પોતાને જ રહેવા માટે ઘર ન હોય, બે ટંક જમવાનાંય ફાંફાં હોય એવી વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે પુનર્લગ્ન ન કરે એ ઈચ્છનીય ગણાય, પરંતુ જો કોઈ સ્ત્રીની એવી સ્થિતિ હોય અને તેને યોગ્ય પાત્ર મળતું હોય તો તેણે પુનર્લગ્ન કરવાં જ જોઈએ.
પાછલી ઉંમરે કેટલીક વ્યક્તિનું મન અધ્યાત્મની દિશામાં વળી ગયું હોય અને એ માર્ગે તે સ્વસ્થતાપૂર્વક, શાંતિથી જીવન પસાર કરવાની પાત્રતા ધરાવતી હોય તો તે વ્યક્તિએ પુનર્લગ્નની જંજાળમાં પડવાનું આવશ્યક નથી. કેટલીક વ્યક્તિઓ કલાકાર તરીકે એકાકી જીવન જીવવા ઝંખતી હોય છે, તેમના માટેય પુનર્લગ્ન જરૂરી નથી. ઘણી ફૅમિલીમાં રોજરોજ કંકાસ થતો હોય છે. ઘરનાં સભ્યો રોજ સામસામે બાખડતાં હોય છે. આવા પ્રદૂષિત સંજોગો ધરાવતી વ્યક્તિએ પણ પુનર્લગ્ન કરવાનું ટાળવું જોઈએ. એ જ રીતે પાછલી ઉંમરે કેટલાક લોકો ગંભીર બીમારી કે વ્યાધિથી પીડાતા રહેતા હોય છે. તેમના માટે પણ પુનર્લગ્ન ઈચ્છનીય ન જ ગણાય.
જો ઉપર મુજબની કોઈ વિરોધી અને વિસંગત પરિસ્થિતિ ન હોય તો દરેક વ્યક્તિએ પાછલી ઉંમરે પુનર્લગ્નનો વિકલ્પ અવશ્ય પસંદ કરવો જોઈએ. પાછલી ઉંમરે પુનર્લગ્ન કરવાનો હેતુ પણ દરેક વ્યક્તિનો અલગ હોઈ શકે છે. જેમ કે :
(૧) કોઈકને લાગણીની હૂંફ અને પ્રેમનો સથવારો જોઈતો હોય તો પુનર્લગ્ન દ્વારા એ પ્રાપ્ત થઈ શકે છે.
(૨) કેટલાક લોકોને સેક્સની જરૂરત પણ રહે છે. જો પુનર્લગ્ન ન થઈ શકે તો તેઓ બહારની દુનિયામાં પોતાની એ જરૂરત સંતોષવા માટે પ્રયત્નો કરે છે. એમાં ક્યારેક વ્યક્તિ આર્થિક રીતે ખુવાર થઈ જાય છે. ક્યારેક સમાજમાં બેઆબરૂ થઈ જાય છે. આવું ન થાય એ માટે એવી વ્યક્તિએ યોગ્ય પાત્ર પસંદ કરીને પુનર્લગ્ન કરીને લાઇફમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(૩) પાછલી ઉંમરે પુનર્લગ્ન કરનાર બન્ને પાત્રો પોતપોતાની લાઇફની અધૂરપો પૂરી કરી શકે છે. આર્થિક સલામતીનો લાભ સ્ત્રીને મળી શકે છે, તેમ રસોઈ અને ગૃહસ્થજીવનની સ્થિરતા પુરુષને મળી શકે છે.
(૪) પુનર્લગ્નને કારણે નવી તાજગી અને નવો ઉત્સાહ મળી શકે છે. એથી પાછલી ઉંમરના ઢસરડા ટાળી શકાય છે.
(૫) પાછલી ઉંમરે લગ્ન કરનાર વ્યક્તિએ કાનૂની બાબતો તથા મિલકતના પ્રશ્નોની તટસ્થ સમીક્ષા કરવી જરૂરી બને છે. પોતાની સંપત્તિના વારસા માટેની સ્પષ્ટતા કરી રાખવી જોઈએ. ઉતાવળમાં કરેલાં પુનર્લગ્ન ક્યારેક બીજી નવી – વધારાની ઉપાધિઓ લાવે છે. એ બાબતે પૂરેપૂરો વિચાર કરવો જોઈએ.
પાછલી ઉંમરે લગ્ન કરનાર પાત્ર માટે સમાજે પૂરેપૂરી ઉદારતા અને મોકળાશ બતાવવી જોઈએ. સંતાનોએ પણ સમજદારીથી પોતાના વડીલ માટે પુનર્લગ્નના વિકલ્પને ટેકો આપવો જોઈએ. એક જમાનામાં વિધવા માટે પુનર્લગ્ન પાપ ગણાતું હતું. આજના યુગમાં કોઈ વ્યક્તિ એને પાપ સમજે તો તેને પછાત ગણવી જોઈએ. જીવન કોઈ માત્ર તાપ-સંતાપ વેઠવા માટે અને ઢસરડા કરવા માટે જ આપણને મળ્યું નથી. અંગત સુખ પામવાનો સૌને કોઈ પણ ઉંમરે અધિકાર હોય જ છે.
ઘણા લોકો વિધુર કે વિધવા થયા પછી પુનર્લગ્ન માટે સતત તરસતા-તરફડતા હોય છે, છતાં સમાજના ભયને કારણે તેઓ હિંમત નથી બતાવી શકતા. જો ઍજ્યુકેટેડ ફૅમિલી દ્વારા આવાં પુનર્લગ્નોનો પ્રયોગ થાય તો બીજા અનેક લોકોને એમાંથી પ્રેરણા અને હિંમત મળે, સમાજની વ્યવસ્થા વધુ સુદ્રઢ બને, સમાજ વધુ રળિયામણો બને. સમાજને રળિયામણો બનાવવા માટેય પાછલી ઉંમરે પુનર્લગ્નનો પક્ષપાત જરૂરી છે.
૨. પાછલી ઉંમરે સમાધાન જ સુખની માસ્ટર-કી છે
આપણી ઉંમર નક્કી કરવાનું એક નવું કોષ્ટક મને જડી ગયું છે. જો આપણે પુરુષ હોઈએ અને કોઈ પણ નિર્ણય તાકાતથી, બળથી લેતા હોઈએ તો આપણી ઉંમર અઢારથી ચાળીસ વર્ષની વચ્ચેની હશે. જો આપણે કોઈ પણ નિર્ણય બુદ્ધિથી, ઠરેલી સૂઝથી લેતા હોઈએ તો આપણી ઉંમર ચાળીસથી પાંસઠ વર્ષની વચ્ચેની જ હશે. જો આપણે સ્ત્રી હોઈએ અને જગતને-સંસારને સૌંદર્યથી વશમાં કરવાનો પ્રયત્ન કરતાં હોઈએ તો આપણી ઉંમર અઢારથી ચાળીસ વર્ષની વચ્ચેની હશે. જો આપણે દુનિયાને ઉદારતાથી વશમાં કરવા પ્રયત્નો કરતાં હોઈએ તો આપણી ઉંમર ચાળીસથી સાઠ વર્ષની વચ્ચેની હશે.
સમજાયું ને ? બળ કરતાં કળમાં વધારે ભરોસો પડવા માંડે એટલે સમજી જવું કે હવે આપણી યુવાનીનાં વળતાં પાણી થવા માંડ્યાં છે. આ કોષ્ટક પુરુષોને લાગુ પડે છે. સૌંદર્ય કરતાં ઔદાર્યમાં ઝાઝો ભરોસો પડવા લાગે તો સમજી જવાનું કે હવે આપણી યુવાની ગુડ બાય કરી રહી છે. આ કોષ્ટક મહિલાઓને લાગુ પડે છે.
પુરુષને અઢાર વર્ષની ઉંમર પહેલાં તથા મહિલાને સોળ વર્ષની ઉંમર પહેલાં કોઈ નિર્ણય સ્વેચ્છાએ કરવાનો લગભગ નથી હોતો. એ જ રીતે સામાન્ય સંજોગોમાં પુરુષે પાંસઠ વર્ષ પછી અને સ્ત્રીએ સાઠ વર્ષ પછી કોઈ સ્વતંત્ર નિર્ણય કરવાનો રહેતો નથી.
યુવાનીમાં પુરુષને કંઈક અચીવ કરીને પદ્મશ્રી, ભારતરત્ન બનવાનાં ખ્વાબ હોય છે. પણ ઢળતી ઉંમરે તેને સમયસર પેન્શન મળે એટલાથી સંતોષ થવા માંડે છે. યુવાનીમાં ૧૦૦૦ મીટરની દોડમાં અવ્વલ નંબરે આવવાનું ઝનૂન ધગધગતું હોય છે. અને ઢળતી ઉંમરે જૉગિંગ પાર્કમાં એકાદ ચક્કર મારી શકાય એટલું ચાલવા જેટલું સામર્થ્ય પણ ઇનફ લાગે છે.
યુવાની આથમી ગયા પછી દરેક વ્યક્તિ માટે આત્મછલનાનો છાનો તબક્કો શરૂ થઈ જતો હોય છે. જગતને છેતરવાનું તો હવે પૉસિબલ નથી હોતું, પણ જાતને સતત છેતરતા રહેવું પડે છે. માથામાં થોડાક સફેદ વાળ જોઈને અજંપો થાય છે, છતાં હજી ઘણા વાળ કાળા પણ છે એ બાબતનું આશ્વાસન જાતે-જાતે લઈ લેવું પડે છે. દીકરો અને વહુ રાત્રે બહાર જતી વખતે કહે છે કે અમારે પાછાં આવતાં મોડું થશે એટલે તમે સૂઈ જજો, દરવાજાની ચાવી અમારી પાસે રાખી છે; ડૉરબેલ વગાડીને તમારી ઊંઘ ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે તેમને પૂછવું છે કે બેટા, તમે ક્યાં જાઓ છો ? આપણે તેમને સલાહ પણ આપવી છે કે મોડી રાત સુધી બહુ રખડશો નહીં અને વાહન ધીમે-ધીમે સંભાળીને ચલાવજો અને હા, ડ્રિન્ક્સ કરીને ડ્રાઈવ કરશો નહીં… પણ એ પહેલાં તો ઘરનો દરવાજો બંધ કરીને દીકરાએ બહારથી લિફટનું બટન દબાવી દીધું હોય છે. ત્યારે પણ આપણે જાતને છેતરવી પડે છે અને સમાધાન કરવું પડે છે કે આપણાં દીકરો-વહુ એટલાં તો સારાં છે કે તેઓ રાત્રે મોડાં આવવાનાં છે એટલું તો કહીને જાય છે ને !
નવી ફિલ્મનાં ઢીંચક-ઢીંચક ગીતો સાંભળીને આપણું દિમાગ છટકે છે. ક્યારેક કોઈકની DJ પાર્ટીમાં જવાનું થાય તો પનિશમેન્ટ વેઠવા જેવું લાગે છે. એવા વખતે ફરી પાછું આપણે પોતાની જાતને છેતરવાનું શરૂ કરી દઈએ છીએ : હજી આજેય ટીવી પર ‘B4U’ મ્યુઝિક-ચૅનલ પર ‘આવાઝ દે કહાં હૈ’ અને ‘મસ્તી’ ચૅનલ પર ‘ધ ગોલ્ડન ઇરા વિથ અન્નુ કપૂર’ તથા ‘રાત કે હમસફર’ જેવા કાર્યક્રમોમાં જૂનાં ગીતો સાંભળવા મળે છે. ‘ઝી-સલામ’ ચૅનલ પર પણ ‘સદાબહાર નગ્મે’, ‘કવ્વાલી’ અને ‘મુશાયરા’, ‘મેહફિલ’ના કાર્યક્રમો જોવા મળે છે એનું આશ્વાસન ખાસ્સી ટાઢક આપે છે.
આપણને અઢીસો પૉઇન્ટ ડાયાબીટીઝ રહે છે એ ખરું, પણ ફલાણા ભાઈને તો ચારસો પૉઇન્ટ ડાયાબીટીઝ રહે છે એનું આશ્વાસન આપણને શોધી કાઢતાં આવડે છે. ઘણી વખત તો આશ્વાસન મેળવતી વખતે કઈ ક્ષણે આપણે ફૅન્ટસીમાં સરકી જઈએ છીએ એનુંય આપણને ભાન રહેતું નથી. જાત સાથે આપણે સંવાદ કરવા લાગીએ છીએ કે એક જમાનામાં હું દસ લાડવા ખાઈ શકતો હતો… વીસ ગુલાબજાંબુ તો રમત-ગમતમાં ખાઈ જતો હતો અને એ દિવસે મારા સાળાએ ચૅલેન્જ કરી ત્યારે એકસાથે ફ્રૂટ-સૅલડના પંદર વાડકા ગટગટાવી ગયો હતો હું ! શત્રુંજયની યાત્રા કરવાની હોય તો આજે ભલે ડોળીમાં બેસવું પડતું હોય. પણ ભૂતકાળમાં માત્ર ચાળીસ મિનિટમાં ડુંગર ચડી જતા હતા એનો રોમાંચ માણવાનું ગમે છે. આજે ભલે મુંબઈ સેન્ટ્રલના સ્ટેશને દાદરા ચડવાનું અઘરું લાગતું હોય, પણ એક જમાનામાં આપણે મુંબઈ સેન્ટ્રલથી મરીન લાઇન્સ સુધી આસાનીથી ચાલી શકતા હતા ! મૅરેજ પછી ફર્સ્ટ નાઇટ વખતે પત્ની સાથે ચાર વખત સેક્સ એન્જોય કર્યું હતું… અને એ દિવસે જૂહુ બીચ પર એક મવાલીએ મારી વાઇફની જરાક છેડતી કરેલી ત્યારે મેં તેનાં હાડકાંભાંગી નાખ્યાં હતાં !
આવી ફૅન્ટસી ભલે ને આપણી ઉમ્મર ન વધારી શકતી હોય, પણ આપણી વધતી ઉંમરને થોડીક ક્ષણો માટે જરૂર ઝાલી રાખે છે ! જીન્સ પૅન્ટ અને ટી-શર્ટ પહેરવાથી આપણા ઘૂંટણનો દુખાવો ભલે મટી નથી જતો, પણ એ દુખાવો થોડીક વાર માટે ભૂલી જરૂર શકાય છે !
ક્યારેક જાત-જાતની કમ્પૅરિઝન કરીને પાછલી વયે દિલ બહેલાવ્યા કરવું પડે છે. આપણાં લગ્ન થયાં ત્યારે ટોટલ દસ હજારનો ખર્ચ થયો હતો અને એ વખતે ત્રણ હજાર ઉછીના લીધા હતા. આજે બધા દાંત પડી ગયા છે અને ડેન્ચર કરાવવા માટે ટોટલ ત્રીસ હજાર ખર્ચવા પડ્યા તોય એક પૈસોય ઉછીનો લેવા જવું નથી પડ્યું ! સ્ત્રીઓ પણ પાછલી વયે મજાનાં આશ્વાસનો શોધી કાઢે છે. હું સાસરે આવી ત્યારે મારે તો લાંબા ઘૂમટા તાણવા પડતા હતા અને સાસુની પરમિશન લીધા વગર બહાર જવાનું તો ઠીક, પાણી પીવાનુંય પૉસિબલ નહોતું; પણ મેં તો મારી પુત્રવધૂને બધી છૂટ આપી દીધી છે. તેની લાઇફ પર આપણે શા માટે અધિકારો ભોગવવાના ! આવું આશ્વાસન મજબૂર દિલને મજબૂત કરતું હોય તો એમાં કાંઈ ખોટું નથી !
પાછલી ઉંમરે અજંપો કર્યા કરવા કરતાં આશ્વાસનની આંગળી પકડી લેવામાં ડહાપણ છે. આપણે આ જગતમાં આવ્યા એ પહેલાંય આ જગત હતું જ અને આપણે ચાલ્યા જઈશું ત્યાર પછીયે આ જગત તો રહેશે જ, એટલે જગત દરેક વાતમાં આપણને અનુકૂળ થાય એવી અપેક્ષા ન રખાય, આપણે જ જગતને અને સમયને અનુકૂળ થઈ જવું પડે. આ માત્ર સમાધાન નથી, સુખી થવાની માસ્ટર-કી છે.

No comments:

Post a Comment

Any Message frome Awesome Creative