મારે તાજમહાલ બાંધવો છે



આ શીર્ષક વાંચીને તમને આશ્ચર્ય થયું હશે અથવા હસવાનું આવ્યું હશે. તમને કદાચ એમ પણ થયું હશે કે આગ્રામાં આવેલા તાજમહાલને બંધાવનાર શાહજહાં તો 22 જાન્યુઆરી, 1666માં મૃત્યુ પામ્યો હતો. એ ફરીથી આવીને તાજમહાલ બાંધશે ? ના, એ શાહજહાં ફરીથી આવ્યો નથી. તેથી એ તાજમહાલ બંધાવી શકે નહિ. તાજમહાલ તો મારે એટલે કે કરસાનદાસ કુંવારા ઉર્ફે વેલજીભાઈ વાંઢાએ બંધાવો છે. તમે ફરીથી ચકરાઈ ગયા હશો કે કુંવારો (કે વાંઢો) માણસ તાજમહાલ શા માટે બાંધે ? શાહજહાંએ તો એની પ્યારી (અળખામણી તો હોય જ નહિ) બેગમ મુમતાજની યાદમાં બાંધ્યો હતો. તો કુંવારો માણસ કોના માટે તાજમહાલ બંધાવે ? તમારી વાત સો ટકા સાચી. કુંવારો માણસ કોના માટે તાજમહાલ બંધાવે ? આમ છતાં હું તાજમહાલ બાંધવાનો છું. તાજમહાલ બાંધવા માટે મેં આ પ્રમાણે આયોજન કર્યું છે : (1) પ્રિયતમાની પ્રાપ્તિ કરવી (2) બાંધકામની મૂડી એકત્ર કરવી (3) બાંધકામ માટે જમીન મેળવવી (4) તાજમહાલનો પ્લાન ડિઝાઈન તૈયાર કરવો. આ ચારે મુદ્દા હવે તમને હું વિગતે સમજાવું.
તાજમહાલના બાંધકામના કેન્દ્રમાં મુમતાજ હતી. તો મારે પણ કોઈ પત્ની હોવી જોઈએ. જે નથી. એમ કહેવાય છે કે જીવતો નર ભદ્રા (પત્ની) પામે. હું જીવતો છું તો એ ન્યાયે મને પણ પત્ની મળશે એ મારો આશાવાદ દઢ – અતિદઢ છે. શાહજહાં તાજમહાલ બાંધવા પ્રેરાયો એની પાછળ મુમતાજ પ્રત્યેનો તેનો અતિપ્રેમ હતો એ સાચું, પરંતુ એક બીજું પરિબળ એ પણ હતું કે શાહજહાંના જીવતાજીવત મુમતાજનું મૃત્યુ થયું હતું અને એની કબર ઉપર તાજમહાલ બાંધવામાં આવ્યો. એટલે મારે પણ પ્રથમ તો પત્ની મેળવવી પડે અને એ મારી હયાતીમાં મૃત્યુ પામે તો જ હું તાજમહાલ બંધાવી શકું. તાજમહાલ અમર પ્રેમના પ્રતીક તરીકે ગણાય છે. એટલે કોઈ પ્રિયતમ તેની પ્રિયતમાને કહે કે, ‘તું મને એટલી પ્યારી છે કે તારી પર હું તાજમહાલ બંધાવું.’ પુરુષના આ વાક્યથી પ્રિયતમા ખુશ થઈ જાય છે. પણ એને એ ખબર પડતી નથી કે આડકતરી રીતે તો એને મરી જવાનું એનો પ્રિયતમ કહે છે. પ્રિયતમાનું મરી જવું એ જરૂરી છે. પ્રિયતમાની મરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય એ પછી જ તેની સ્મૃતિમાં તાજમહાલ બાંધવાનું વિચારી શકાય. મુમતાજ પહેલાં શાહજહાંનું મૃત્યુ થયું હોત તો તાજમહાલ બંધાત ખરો ? ના. તો તાજમહાલના નિર્માણ માટે પ્રિયતમની હયાતીમાં પ્રિયતમાએ મરવું જરૂરી છે. આ દષ્ટિએ તો મારા માટે તાજમહાલનું નિર્માણ અઘરું પડે. પ્રથમ તો મારે પ્રિયતમા મેળવવી પડે અને મારાં જીવતાં તેનું મૃત્યુ થવું જોઈએ. માની લો કે મને પત્ની મળી ગઈ અને એનું મૃત્યુ પણ મારી હયાતીમાં થાય; પણ તાજમહાલ બંધાવવા માટેના રૂપિયા ક્યાંથી લાવવા ? હું થોડો શાહજહાં છું કે રાજ્યની તિજોરી ખોલીને લાખો રૂપિયા વાપરી શકું ?

તાજમહાલ બંધાવવાની યોજના ઘણી કઠિન છે – પ્રિયતમા મેળવવાની, મારી હાજરીમાં એનું મૃત્યુ થવું જોઈએ અને રૂપિયા હોવા જોઈએ. છતાં મેં યોજના કરી છે, જેનાથી આ ત્રણે શરતોનું પાલન થઈ શકે. આ માટે વર્તમાનપત્રોમાં હું મારા લગ્ન માટેની જાહેરાત નીચે પ્રમાણે છપાવીશ :
એક કાચા-કુંવારા (કે વાંઢા ?) 42 વર્ષના
પુરુષને તેના પોતાના અદ્વિતિય લગ્ન માટે
કરોડો રૂપિયાની માલિકી ધરાવતી પાકટ
વયની, જેના ચરણો (ટાંટીયા) અંતિમ આરામ
સ્થાન (કબર) તરફ હોય તેવી સ્ત્રી (ડોશી)ની,
તાતી જરૂર છે.

નોંધ : જાનના આગમન સમયે જો આવી સ્ત્રી
ઑક્સિજન પર હશે તેને પ્રથમ પસંદગી આપવામાં
આવશે. જે કોઈ સ્ત્રી આ પુરુષને પરણશે તેને (સ્ત્રીને)
તે ઈતિહાસમાં અમર બનાવી દેશે તેની સો ટકા
ખાતરી આપવામાં આવે છે. ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતાનો
કોઈ બાધ નથી. ટૂંકમાં તે ઉપર્યુક્ત શરતો મુજબની સ્ત્રી
હોવી જોઈએ. લખો : P.B. No. 420. જીવનધારા,
અમદાવાદ-9.

આ જાહેરાત પ્રસિદ્ધ થશે કે થોડા જ દિવસોમાં મને જોઈતી પત્ની મળી જશે એવો દ્રઢ આશાવાદ મને છે. મારી યોજનાના પ્રથમ બે મુદ્દાનો ઉકેલ આ રીતે આવી જશે. પત્ની મળશે અને મિલકત પણ મળશે. એનું નામ ચંચળ હશે. ચંચળને હનિમૂન માટે વ્હીલચૅરમાં બેસાડીને પણ હું તેને આબુ લઈ જઈશ. ફાઈવ-સ્ટાર હૉટલમાં અમે રોકાઈશું. અમારા રૂમમાં હું એની આગળ ગાઈશ : ‘કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ કે જૈસે તુજકો બનાયા ગયા હૈ મેરે લિયે.’ પછી કહીશ :
‘મારી પ્રિય ચંચી (ચંચળનું લાડકું નામ મારી દષ્ટિએ) તું ખૂબ જ રૂપાળી છે. તને એકીટશે જોવાનું મન થાય છે. પણ મારી આ આંખો આગળની પાંપણો કોણે બનાવી છે ? તે વારંવાર મટકું મારે છે અને મારે તારા સૌંદર્યથી વંચિત રહેવું પડે છે ! તું એટલી રૂપાળી છે કે જ્યારે તારા સૌંદર્યની ચર્ચા થશે ત્યારે ચંદ્ર નિસાસો નાખશે, તું મને એટલી પ્રિય છે કે તારા માટે તાજમહાલ બંધાવું.’
‘ગાંડા થયા છો કરસન ? તાજમહાલ બાંધવાના રૂપિયા ક્યાંથી લાવશો ?’ ચંચી મને પૂછશે. ચંચીનો પ્રશ્ન મારું કાળજું વીંધી નાખશે. મારાથી એમ તો ના કહેવાય કે તારી જ મિલકતમાંથી તારો તાજમહાલ બંધાવીશ. જો એમ કહું તો હું પૈસાનો સ્વાર્થી ગણાઉં અને તેના પ્રત્યેનો ઉત્કટ પ્રેમ દર્શાવવામાં અસફળ થાઉં. તેથી હું કહીશ :
‘અરે, તારા માટે તાજમહાલ બાંધવાને હું વિશ્વબેંકની લોન લઈશ. ગમે તેટલું વ્યાજ હોય.’ વિશ્વબેન્ક ક્યાં આવી એ પણ મને ખબર નથી. કયો બાપ મને લોન આપવાનો છે ? છતાં બેધડક કહી દેવાનું કારણ કે મારે તાજમહાલ બંધાવો છે ને ?
ચંચી કહેશે, ‘જો જો, એવી વ્યાજવાળી લોન ના લેતા, મારી મિલકત શા કામની છે ? મારી મિલકત એ તમારી જ મિલકત છે ને ?’ આ જ જવાબ મારે ચંચીના મોઢેથી કઢાવવો હતો. મારી યોજનાના પહેલા બે મુદ્દા આ રીતે સૉલ્વ થઈ જશે.
બનનારા તાજમહાલની ડિઝાઈન મેં વિચારી રાખી છે. આમ તો આ તાજમહાલની ડિઝાઈન અને પ્લાનની જવાબદારી મહાન સ્થપતિ લ કાર્બુઝેને સોંપવાની હતી, પરંતુ તેઓ સદગત થઈ ગયા હોવાથી મારે જ ડિઝાઈન-પ્લાન કરવા પડ્યા છે. આગ્રાના તાજની જેમ આ તાજમાં પણ ઘુમ્મટ અને મિનારા તો હશે જ, પરંતુ તેમના આકારમાં મેં આ રીતે ફેરફાર વિચાર્યા છે. મારા અને ચંચીનાં માથાં પાછળથી એકબીજાંને સ્પર્શતાં હોય તે આકારનો ઘુમ્મ્ટ હશે. મારા માથાવાળો ભાગ સંપૂર્ણ ટાલવાળો હશે. એ તરફના ઘુમ્મટના ભાગમાં મારો બોખો, ગાલમાં ખાડા પડેલો, આંખે ચશ્માં પહેરેલો ચહેરો દેખાય તેવું પેઈન્ટિંગેય હશે. બાજુએ ચંચીનો ચહેરો હશે. તેના ચહેરામાં પણ ગાલ ખાડાવાળા, માત્ર ઉપરના આગળના બે દાંત બહાર નીકળેલા અને નીચેના હોઠ સુધી જતાં હોય તેવું પેઈન્ટિંગ હશે. અમારા બંનેના ચહેરા ‘ચંદ્રવદન’ જેવા હશે. ચંદ્રમાં પણ ખાડા-ટેકરા છે. તેથી આ તાજનો ઘુમ્મટ સાથે જ ‘ચંદ્ર’ જેવો લાગશે. ચારે ખૂણે ચાર મિનારા તો રાખવા જ પડે ને ! તો તાજ બને. મિનારા વિનાના તાજની કલ્પના જ કેમની થાય ? ઘુમ્મટની આગળની બાજુએ એટલે કે ચંચીનો ચહેરો હોય તે બાજુના બે મિનારા આવા હશે. આગળના જમણી બાજુના મિનારાની ઉપર ઘુમ્મટને બદલે પેન ધારણ કરેલો મારો હાથ કોતરેલો હશે અને ડાબી બાજુના મિનારાની ઉપર પણ ઘુમ્મટને બદલે કાગળ ધારણ કરેલા મારા હાથનું મોટું શિલ્પ હશે. જાણે કે હું ચંચીને પ્રેમ પત્ર લખી રહ્યો હોઉં તેવી મારી કલ્પના છે. પાછળના બે મિનારાની ઉપર પણ ઘુમ્મટના બદલે લાંબો ફૂલહાર ધારણ કરેલા ચંચીના હાથમાં શિલ્પ હશે. જાણે કે ચંચી મારા ગળે લગ્નનો ફૂલહાર પહેરાવતી હોય તેવી મારી કલ્પના છે. આ ચારે હાથ પ્રતીકાત્મક છે. મારા હાથ પ્રેમપત્ર લખે છે અર્થાત મારી અને ચંચી વચ્ચે ‘ઈલુ ઈલુ’ (I love you – ILU) ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અંતે તે પ્રક્રિયા લગ્નમાં પરિણમે છે તે પાછળના ચંચીના ફૂલાહાર ધારણ કરેલા બે હાથમાં પ્રતિબિંબિત થાય છે. કમાનાકાર મુખ્ય પ્રવેશદ્વારની ફરતી ફ્રેમમાં અમારાં લગ્નનો સનેડો અને પ્રેમની શાયરીઓ કોતરવામાં આવશે. આ બધું જ કામ ચંચીની મિલકત પર આધાર રાખશે. ઘુમ્મટવાળો ભાગ તો સફેદ આરસમાં જ બનાવવાનો, કારણ કે અમારા વૃદ્ધત્વની નિશાનીરૂપ સફેદ વાળનું તે પ્રતિબિંબ પાડી શકે. પૈસા હશે તો મિનારા સફેદ આરસના નહીં તો છેલ્લે સિમેન્ટના જ બાંધવાના. તાજમહાલના નામની પાછળ મુમતાજમહલનું નામ જવાબદાર છે. ચંચી માટે બંધાવેલા તાજમહાલનું નામ હું ‘ચંચળમહલ’ અથવા ‘ચંચીમહલ’ રાખીશ.
હવે છેલ્લે વાત રહી તાજમહાલ બાંધવાના સ્થળ અને જગ્યાની. આગ્રાનો તાજમહાલ યમુના નદીને કાંઠે આવેલો છે. તેથી ચંચીનો તાજમહાલ પણ નદીના કાંઠે જ બાંધવો પડે. આ માટે મેં અમદાવાદની સાબરમતીનો કિનારો વિચાર્યો છે. હાલ અમદાવાદમાં સાબરમતી કિનારે રિવરફ્રન્ટ યોજના ચાલુ છે, તે ખાનપુર તરફના કિનારે મેં જગ્યા વિચારી છે. શાહજહાં તેની યુવાઅવસ્થામાં ગુજરાતના સૂબા તરીકે હતો. હું પણ ગુજરાતનો જ નિવાસી તેથી શાહજહાં અને મારામાં આ સામ્ય હોવાથી ચંચીના તાજમહાલ માટે અમદાવાદ જ યોગ્ય સ્થળ મને લાગે છે. ઉપરાંત ખાનપુરની બરાબર પ્રશ્ચિમે નદીકાંઠે મારો ફલૅટ આવેલો છે અને તેની બાલ્કની નદી તરફ પડે છે. શાહજહાંને તેના અંતિમ દિવસોમાં યમુનાના પશ્ચિમના કાંઠે આવેલા કિલ્લામાં નજરકેદ કર્યો હતો અને તે સૂતા સૂતા પણ યમુનાના સામા કાંઠે આવેલા પોતાના પ્રેમના પ્રતીક તાજમહાલને અહર્નિશ જોતો હતો. એમ હું પણ અંતિમ દિવસોમાં મારા ફલૅટની બાલ્કનીમાંથી સાબરમતીના સામા કાંઠે આવેલા ચંચીના તાજમહાલને જોઈશ. ‘શાજહાંના અંતિમ દિવસો’ નામના એક ચિત્રમાં રવીન્દ્રનાથ ટાગોરે શાહજહાંને તાજમહાલ જોતો ચીતર્યો છે. ભવિષ્યમાં કોઈ ચિત્રકાર મારું પણ આવું ચિત્ર દોરશે, જેમાં હું મારા અંતિમ દિવસોમાં ચંચીના તાજમહાલને જોઈ રહ્યો છું. આ ચિત્રનું નામ આપવામાં આવશે ‘અંતિમ દિવસો.’ રિવરફ્રન્ટના લીધે હવે તો સાબરમતીમાં કાયમ પાણી રહે છે. તેથી એટલે કે ‘ચંચીમહાલ’નું પ્રતિબિંબ પણ તે પાણીમાં પડશે. આથી આગ્રાના તાજમહાલની જેમ ચંચીના તાજમહાલની આગળ પાણીની નહેર બાંધવાનો અને તાજમહાલની ફરતો બગીચો બાંધવાનો ખર્ચ બચી જશે. રિવરફ્રન્ટ પર લોકો મોટી સંખ્યામાં હરવા-ફરવા, શૉપિંગ કરવા કે મનોરંજન માટે આવશે ત્યારે અમારા પ્રેમના પ્રતીક એવા તાજમહાલને પણ જોશે. તેને લીધે સરકાર પ્રવેશ-ફીમાંથી આવક પન મેળવી શકશે. હું મારા વિલમાં લખતો જઈશ કે ચંચીનો તાજમહાલ જોવા આવનારાઓમાંથી ઈલુઈલુવાળાં અર્થાત પ્રેમીપંખીડાઓ પાસેથી પ્રવેશ-ફી ન લેવી. શાહજહાંએ આવું વિલ લખ્યું ન હતું, પણ હું તો લખતો જઈશ. કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ! વિલમાં હું એમ પણ લખીશ કે હું મરી જાઉં ત્યારે ચંચીની બાજુમાં જ મને દફનાવજો.
પ્રવાસીઓ આ તાજમહાલ જોઈને આફરીન થઈ જશે. આગ્રાના અને અમદાવાદના તાજની સરખામણી કરશે. આગ્રાના તાજ કરતાં ચંચીનો તાજ એ રીતે ચઢિયાતો ગણાશે કે આગ્રાનો તાજ બંધાવનાર બાદશાહ હતો અને ચંચીનો તાજ બંધાવનાર એક સામાન્ય મામૂલી માણસ હતો જેણે મૃત પત્નીની મિલકતનો યોગ્ય ઉપયોગ કરીને પોતાની પત્નીને અમર બનાવી દીધી. આગ્રાના તાજમહાલની પ્રશંસા કરતાં કહેવાયું છે કે, ‘પૃથ્વી પર સ્વર્ગ હોય તો અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’ તો ચંચીના તાજમહાલ વિશે કહેવાશે ‘વિરોધાભાસ જો હોય તો અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’ કોઈ શાયર ચંચીનો તાજમહાલ જોઈને શેર બનાવશે કે :
ઝેર પીનારાં બધાં શંકર નથી હોતા,
તાજમહાલ બાંધનારા બધા શાહજહાં નથી હોતા.
ભલે મને શાયરો હસતાં, પણ મારે એક તાજમહાલ ચોક્કસ બાંધવો છે જો મને મારી શરત પ્રમાણેની પ્રિયતમા પત્ની મળી જાય તો.

No comments:

Post a Comment

Any Message frome Awesome Creative