અનાથનો નાથ


“સર, સર…” બાળકોએ કૂતુહલભરી અપાર ખુશીથી કહેવા માંડ્યું: “સર, ઘેર અમારા દાદા-દાદી અમને મળવા આવ્યા છે.’ બાળકોના ચહેરા પર આનંદના ફુવારાઓ ઉડી રહ્યાં હતાં.
“મળવા નહીં!” બીજાએ વચ્ચે જ કહ્યું: “એ તો કાયમ માટે આપણા ઘેર રહી જવા આવ્યા છે. પાપા ખુદ એમને લઈને આવ્યા છે.”
શિક્ષક એ બંને બાળકોની અચરજભરી વાત સાંભળીને સ્તબ્ધ થયા. પળવારમાં એ વિચારોના વમળે ચડ્યા. પેલા બંને બાળકોના નામ નીલ અને નલીન, આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં.
એકવાર શિક્ષકે નીલ અને નલીનના પિતાને શાળામાં બોલાવીને કહ્યું: “તમારા બાળકને તમે સમય ન આપી શકો તો દાદા-દાદી પાસે બેસાડો. એમની વાતો સાંભળશે તો આપોઆપ ખીલતા જશે. લેશન પૂરુ કરતા થશે. ભણતરમાં ઠીક રહેશે. દાદા-દાદી જોડે નવી નવી વાતો સાંભળીને સંસ્કાર અને કેળવણી પણ શીખશે.”
“પણ સાહેબ!” કહેતા અંબરભાઈની આંખો ભરાઈ આવી, હૈયું હીજરાયું, ભયંકર આઘાત અનુભવાયો.
અંબરે માવતર જોયા જ ક્યાં હતાં? માવતરના મહોબ્બતની જબ્બર ખોટ સાલી હતી એને. માતાપિતાની માયા અને અંબરને ભવોભવનું છેટું પડી ગયું હતું. માવતરનો અભાગિયો દીકરો હતો અંબર. કારમી ગરીબીમાં સબડતા હતાં એના માવતર. એક સાંધે ત્યાં તેર તૂટે એવી કપરી દશા હતી. ચારેક ભાંગેલા તૂટેલા વાસણો અને ઘાસફૂસમાંથી બનાવેલ નાનકડા ઝૂંપડા સિવાય અન્ય કોઈ જાગીરી હતી નહીં! દિવસ આખો દાડિયું રળે ત્યારે માંડ બે ટંકનો રોટલો નસીબ થતો, ને એવા એક સમયે અંબરનો જન્મ થયો. સુવાવડ વખતે અપૂરતી કાળજી અને પોષણયુક્ત આહારના અભાવે અંબર અઠવાડિયાનો હતો અને એની માં ને રોગ લાધ્યો. બે જ દિવસમાં એ ભુંડા મોતને ભેટી. હજુ પુત્રનું મોઢુંય બરોબર નહોતું જોયું ને કુદરતે એને પોબારા ગણાવ્યા.
વળી ઓછું હોય એમ થોડાંક દિવસના અંતરે અંબરના પિતાજી પણ એની માં ની ગતિને વશ થયા. અંબર નોંધારો થયો, સાવ નોંધારો. એના કાકા કે ફૂઈ હતાં નહી. માટે બે-ચાર દિવસમાં લોકોએ એને અનાથાલયમાં મોકલી આપ્યો.
‎અંબર આ બીનાથી અજાણ હતો. એને આ હ્રદયદ્રાવક ગોઝારી ઘટના ત્યારે જાણવા મળી જ્યારે એ દસમા ધોરણમાં હતો. શિક્ષકે માતૃપ્રેમ વિશે નિબંધ લખવા કહ્યો. અંબરે અનાથાલયમાં આવીને પૂછ્યું: “મારા માં-બાપ કોણ અને ક્યાં છે? મને કેમ અત્યાર સુધી માવતરની મમતા મળી નહી?”
ને એના ઝળઝળિયાં ભરેલા આ ભીના સવાલનો જવાબ હતો: “બેટા, તું અનાથ છે! તારા માવતરનો કોઈ જ પત્તો નથી. અને એ હયાત પણ નથી.”
અંબર ઘટના જાણતો ગયો અને આંખેથી આંસુઓ વહાવતો રહ્યો. ભેગું અનાથાલય પણ રડ્યું. ‎અંબર ભણ્યો ગણ્યો ને બે પાંદડે થયો. ને પછી બે જીવે પણ થયો. લગન થયા. બે બાળકનો પિતા થયો. સંસારની સર્વ વાતોએ એ બહુ જ સુખી હતો. પણ બે બાબતોથી એ અત્યંત દુ:ખી હતો : એક માવતરની માયા, મમતા, લાગણી પામી નહી શકવાનો અફસોસ અને બીજુ માં-બાપની સેવા કરવાનો અવસર ન મળ્યો એનો વસવસો.

‎શાળાના શિક્ષકે જ્યારે એના બાળકોને દાદા-દાદીના ખોળે મૂકવાની સલાહ આપી હતી ત્યારે રડતી આંખે અંબરે આ ઘટના સંભળાવી હતી. શિક્ષકનો આત્મા પણ ત્યારે ખુબ દુ:ખી થયો હતો.
હવે જ્યારે નીલ-નલીને પોતાના એ જ શિક્ષકને વાત કરી કે અમારા ઘેર દાદા-દાદી આવ્યા છે ત્યારે એ શિક્ષકને મીઠો આઘાત ન લાગે તો જ નવાઈ. સાંજે શાળા છૂટતાં જ શિક્ષક અંબરને ઘેર પહોંચી ગયા. જોયું તો આલીશાન બંગલામાં બે વૃદ્ધ હિંડોળે હીંચી રહ્યાં છે. બેયના ખોળામાં નીલ અને નલીન આનંદની ગોષ્ઠી કરી રહ્યા છે.
શિક્ષકને હર્ષ થયો. ઉમંગે હૈયું ઝૂમી ઉઠ્યું. ચોતરફ નજર કરી, અન્ય કોઈ નજરે ચડ્યું નહી.
“લાગે છે અંબર નોકરીએથી મોડો આવશે, એની પત્ની પણ કદાચ બજારમાં ગઈ હશે.’ શિક્ષકે મનોમન અનુમાન લગાવ્યું.
‎ભાવવિભોર બનીને એકટસ ઊભેલા શિક્ષક પર દાદા-દાદીની નજર પડી. એમણે ઉમળકાભેર આવકાર આપ્યો. સાથે બાળકોએ પણ ગુરૂજીનું સ્વાગત કર્યું.
“અંબર આપનો પહેલો પુત્ર કે બીજો?” પાણી પીતા પીતા વાતનો તાગ જાણવા શિક્ષકે વાત ઉચ્ચારી.
“બેટા..” વૃદ્ધાએ બેટાથી શિક્ષકને વાતની શરૂઆત કરી, “અમારી કૂખને આવા સો ટચના દીકરાને જન્માવવાના ભાગ્ય જ ક્યાં? ભાગ્યશાળીના પેટે જ આવા પુત્ર અવતરે છે! અમે તો પેટે પથ્થરા જણ્યા સાહેબ પથ્થરા!”
વૃદ્ધોની આંખોમાં બનેલી ઘટના કણાની માફક ફરી ખટકવા લાગી, ઊભરાવા માંડી.
દાદાએ વાતની શરૂઆત કરી, “પૂરા સો વીઘા જમીનના માલિક હતાં અમે. કાળની થપાટ બહુ ગોઝારી છે. સમો થયો ને કુદરતે અમારા કૂખે રૂપાળા બે દીકરા અવતર્યા. એ દીકરાઓને જોતા આંખ ઠરતી ને હૈયા આનંદથી ઊભરાતા. ઉરમાં લાગણીના પ્રચંડ કોડ લઈને એમને ઉછેર્યા. વખત જતા વળી એક દીકરી અવતરી, હૈયામાં જે વાતની કમી ખટકતી હતી એ પૂરી થઈ. પરંતું દીકરી કરતા દીકરાઓને ઉછેરવામાં કોઈ મણા ન રાખી. પેટે પાટા બાંધીને એમની જવાબદારી નિભાવી અને બે પાંદડે કરી આપ્યા. એવી ઘણી વેળા આવી જ્યારે અમારે ભૂખ્યા સૂવાનો વારો આવતો, અમે દીકરાઓને ભૂખ્યા ક્યારેય ન સૂવડાવ્યા; જો કે એ અમારી ફરજ, જવાબદારી કે લાગણી, માયા, મમતા જે હોય એ પણ અમે એમને મોટા કર્યા.”
દાદાએ પાણીનો ઘૂંટડો ભર્યો. આંસું લૂછ્યા. પોતાની વહાલી જીવનસંગિની તરફ દ્રષ્ટિ કરી વાત આગળ વધારી, “દીકરાઓને વખતે પરણાવી ગમતી વહુ લાવી આપી, ઘર વસાવી આપ્યા. બેયને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડવા દીધી. દરમિયાન દીકરીને પણ રંગે ચંગે અને અઢળક ઉમળકાભેર પરણાવી સાસરે વળાવી. પણ જે ધામધૂમ દીકરાઓના લગનમાં કરી એવા ધૂમધામથી દીકરીનો માંડવો ન રોપી શક્યાનો વસવસો હજીયે હૈયે ડંખે છે.”
“હાથપગ ચાલ્યા ત્યાં સુધી કામ કરતા રહ્યાં. હવે જીવતરના આંગણે ઘડપણ આવી પહોંચ્યુ હતું. ને જોતજોતામાં જોબનવંતા ખોળિયામાં એ ઊતરી ગયું. અમને એના ભરડામાં લીધાં. અંતરમાં અરમાન ઉમટ્યા કે હવે શાંતિથી હરિમાળા કરશું. દીકરાઓ સારે ઠેકાણે કમાતા થઈ ગયા હતાં એટલે લાગ્યું કે હવે એ અમને સાચવશે પણ….” બેય વૃદ્ધોની આંખે સામટો મહેરામણ ઉમટ્યો. નાના બાળકની માફક હૈયા હીબકે ચડ્યાં. અવાજ તરડાયો. ડોશીએ ડોશાને બાથમાં લઈ સાંત્વના આપી. નીલ અને નલીને ભીની આંખે દાદા-દાદીની ભીની આંખ કોરી કરી આપી. શિક્ષકે પણ પોતાની આંખ સાફ કરી.
“જવા દો હવે એ બધી બિહામણી વાતો. આપણે દીકરાઓ નહી પણ પથ્થર જણ્યા’તા જાણે! આપણા ભાગ્ય જ આવા હશે, કોઈને હવે દોષ આપ્યે શું?” વૃદ્ધાએ સાંત્વનાના બે બોલ કહ્યાં.
વૃદ્ધે વીતકકથા આગળ વધારી. “સાહેબ.. વખત થયો ને દીકરાઓએ અલગ થવાની વાત કરી. ભાઈઓ તો અલગ થતા આવ્યા છે એમ સમજાવી અમે વાત સ્વીકારી અમલમાં મૂકી. જો કે અમારે સંયુક્ત કુંટુંબની જ ઈચ્છા હતી, પણ નવી વહુઓને એ પોસાતું જ ક્યાં હતું? સરસામાન, માલમિલકતનો વહેવાર કરવાની બે ઘડી પહેલા ડોશી મને કાનમાં કહે, “હું કહું છું જોજો… આપણને તો મોટો જ માંગશે!” કહીને એ હરખથી હલબલી ઉઠી હતી.
“‘ના, ના! આપણે તો નાનાના ભાગે જ શોભીએ! જગનો નિયમ જ છે કે માવતર તો નાનો દીકરો જ સાચવે.” મે પણ મારી મંશા કહી. ‎અમે શીખવેલ સંસ્કાર, જીવન જીવવાની રીત, જીવનને જાણવાની અને જોવાની રીતભાત, માણસાઈભર્યો વહેવાર એ બધાથી લાગતું હતું કે સૌ પ્રથમ બેય દીકરાઓ અમે કોના ભેગા રહીશું એની માગણી કરશે, કિન્તુ..
‎કિન્તુ સઘળું વહેચાઈ ગયું, બે સરખા ભાગ પડી ગયા. લૂગડાં-લતા, ઘરેણા-રૂપિયા અને જમીન પણ! અમે છેવટ લગી નોંધારાની માફક મોં વકાસીને બેસી રહ્યાં. એકેય દીકરો અમને માગે તો શું પણ તુટેલી ખાટલી, જૂની તપેલી અને બે ગ્લાસ અમારા જૂના ખોરડામાં મૂકી આવ્યા અને પોતપોતાને ઘેર વળ્યા. અમે નધણિયાની જેમ ઝાંખી પડવા મથતી કીકીઓમાં શ્રાવણ ભાદરવો ભરીને એકમેકને તાકી રહ્યાં. છતા દીકરાએ અમે અનાથ અને વાંઝીયા બન્યા.
‎બસ, સાહેબ…! એ જ ઘડીએ અમે પહેરેલે લૂગડે મહામહેનતે ઊભું કરેલું – દીકરા કરતાંય સવાયું લાડકું ઝુંપડું છોડ્યું. અમારું એ ગામ, એ ઝુંપડું અમને જતાં જોઈને જાણે ચોંધારે ચડ્યા હોય એવી દશામાં અમે એમને છોડ્યા. મંઝિલ નહોતી, નહોતી સફરની ખબર કે નહોતી ક્યાંય આશરાની ફિકર. સગા દીકરાઓય અમારા ન થયા તો પછી બીજા તો કોની પાસે આશરાની અપેક્ષા રાખીએ. પ્રભુએ બક્ષેલા જીવનનો મલાજો જાળવવા અમે જે જડી એ વાટ પકડી.”
“તો પછી તમે તમારી દીકરીને ઘેર કેમ ના ગયા?” શિક્ષકે છેલ્લો સવાલ ઉપાડ્યો.
“અરે સાહેબ.. બે દીકરાઓ પણ જે ન ઉપાડી શક્યા એવા આ રાંકડા ઘડપણનો ભાર દીકરીને માથે શીદને નાખવો? દીકરીનું ઘર ગરીબ. પણ જમાઈ લાખ રૂપિયાના. બાળપણમાં જ એના માવતર સંસારને સ્વાહા કરી ગયા હતાં. માવતરનું સુખ ન ભોગવી શકેલ જમાઈ અમને માવતર કરતાંય સવાઈ ખુશીથી અમારી સેવા ઉપાડી લેત. કિન્તુ એમને ભારી ન પડવાનું અમે મુનસીબ માન્યું અને આખરે રખડતા-ભટકતા દશેક દિવસે એક મંદિરે જઈ ચડ્યા. ‎સવારની વેળાએ મંદિરને ઓટલે એક તરફ-કોઈને નડીએ નહીં એમ અમે પ્રભુસ્મરણમાં લીન બની દીન અવસ્થામાં બેઠા હતાં. હૈયે હોળી અને હોઠ પર ઝગમગાતી દીવાળી સમું તેજ હતું. એટલામાં દેવદૂત સરીખા અંબરનું આગમન થયું. ભગવાનની મૂરત પર નજર પડે એ પહેલા જ એની અમિદષ્ટિ અમારા પર ઠરી. એ નજરોએ અમારા અંતરે ટાઢક ઉમટાવી. અનાથ જાણી બળતે હૈયે ઉમળકાભેર એ અમને એના ઘેર લઈ આવ્યો.”
“જે દિવસથી અંબર અમને અહી લઈ આવ્યો છે તે દિવસથી એ મંદિર અને મંદિરના મારગને વીસરી ગયો છે. ઈશ્વરની માફક અમારી સેવા- આરાધના કરે છે એ.”
“જૂનું જે હતું એ દુ:ખ વીસરાવી દીધું છે અંબરે. કિન્તુ એક નવું દરદ ક્યારેક આંખમાં ઉથલો મારી જાય છે. અને એ વેધક વેદના એટલે અંબરને અમારી કૂખે નહી જન્માવી શકવાનો અને લાલનપાલનનું સુખ ના આપી શકવાનો અખંડ વસવસો. અમારી અઢળક આશિષ એના પરિવારને યુગાન્તરો સુધી ફળજો.” કહેતા બંને વૃદ્ધ સામે ઊભેલા અંબર અને એની પત્નીના અમરતાભર્યા ઓવારણા લઈ રહ્યાં.

No comments:

Post a Comment

Any Message frome Awesome Creative