છેલ્લાં દસ વર્ષથી ભારત જવાનું કોઈ ખાસ કારણ ન હતું, માબાપ કે ભાઈબેન કોઈ રહ્યું ન હતું છતાં પણ જન્મભૂમિ પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું નથી હોતું. સાસરી પક્ષનાં સગાંઓ ઘણા વખતથી બોલાવી રહ્યાં હતાં. તે ઉપરાંત ઘણા બધા સંબંધીઓ તથા વિશાળ મિત્રવર્તુળને શાંતિથી મળવાની ઈચ્છા ઘણા વખતથી હતી. પરંતુ અમેરિકાની નોકરી, બાળકો, ઘરની જવાબદારીઓ, પતિનો આવવા જવાનો સમય, બાળકોનું ભણતર એમાંથી ભારત આવવાનો સમય જ મળતો ન હતો. આ વખતે દસ વર્ષ બાદ નોકરીમાંથી લાંબી રજા પણ મળી ગઈ હતી. બાળકો પણ મોટા થઇ ગયા હતા. તેથી જ મેં નક્કી કરેલું કે આ વખતે ભારત જઈ મિત્રો, સબંધીઓ બધાંને મળવું.
જયારે ભારતની ધરતી પર પગ મૂક્યો ત્યારે મારી અદમ્ય ઈચ્છા હતી કે ભોલુ અંકલને મળવા જવું. આંટીના મૃત્યુનાં સમાચાર મળ્યા ત્યારે મેં ફોન પર ભોલુ અંકલ સાથે વાત કરેલી. પણ પ્રસંગ જ એવો હતો કે લાંબી વાત થઇ શકી ન હતી, કારણ મારે ભોલુ અંકલને આશ્વાસન આપવું જોઈએ એના બદલે ભોલુ અંકલ મને આશ્વાસન આપતા કહેતા હતા, “બેટા, તારી આંટી નથી પણ હું છું. જેમ નાનપણમાં તું મારે ત્યાં જ રાતદિવસ રહેતી હતી એ જ રીતે ભારત આવ્યા પછી તું મારે ત્યાં રહેજે. આ પણ તારું જ ઘર છે. નાનપણમાં તો રાત્રે પણ તારા મમ્મી-પપ્પા તને ઊંચકીને ઘેર લઇ જતા હતાં. હવે તો માબાપ પણ રહ્યાં નથી, તારી આંટી ભલે નથી પણ હું તો છું જ.”
મને ભોલુ અંકલના શબ્દે શબ્દ યાદ હતાં. આમ તો એ અમારા પડોશી હતા. છતા લોહીના સંબંધો કરતાં પણ ઘણા આત્મીય સંબંધો હતા. એમના સગાંઓ પણ કહેતા કે આ તો તમારી દીકરી જ છે. આખો દિવસ તમારે ત્યાં જ હોય છે. હું પણ આંટીના હાથનાં થેપલાં, મૂઠિયાં ખાવા હંમેશા તત્પર હોઉં. અમેરિકા ગયા પછી પણ મને હંમેશના એમના થેપલાં ને મૂઠિયાં યાદ આવતાં. જયારે પણ હું થેપલાં, મૂઠ્યાં બનાવતી, અને બધા વખાણે ત્યારે મારું મન કહેતું, “આંટી જેવા નથી બનતાં.” ભોલુ અંકલ અને એમનો દીકરો પણ મને મૂકીને કંઈ ખાતાં નહીં.
ભોલુ અંકલનું કુટુંબ હંમેશ આનંદ કિલ્લોલ કરતું જ મળતું. એ બધાને કહેતા, “ઈશ્વરે અમને દીકરીની ખોટ રાખેલી એ પણ પૂરી થઇ ગઈ.” મારા લગ્ન વખતે ભોલુ અંકલે જ મારું કન્યાદાન કરેલું. પરંતુ મારા લગ્ન બાદ ભોલુ અંકલના દીકરાની બદલી થતાં બીજા રાજ્યમાં જતા રહેલા. ધીરે ધીરે એમનો સંપર્ક ઓછો થતો ગયેલો.
પરંતુ આ વખતની વાત જુદી હતી. દસ વર્ષના લાંબા ગાળા બાદ આવી હતી. મનોમન નક્કી કરેલું કે જેમ નાનપણમાં અચાનક ભોલુ અંકલને ત્યાં પહોંચી અલક મલકની વાતો કરતી, તેમ ભોલુ અંકલને હું અચાનક જઈ આશ્ચર્યમાં મૂકી દઈશ.
તેથી જ હું સીધી ભોલુ અંકલને ત્યાં પહોંચી ગઈ અને બહારથી જ બૂમ પાડી, “ભોલુ અંકલ… હું આવી ગઈ..”
મારો અવાજ સાંભળી એક બારેક વર્ષની છોકરી બહાર આવી. મને કહે, “દાદા નથી.” અને એની મમ્મીને બૂમ પાડતાં બોલી, “મમ્મી, કોઈ આંટી આવ્યા છે.”
મારી આંખમાં આંસુ આવી ગયાં. જે જગ્યાને હું મારું પિયર માની હકથી આવી હતી ત્યાં હું કોઈ આંટી બની ગઈ ! મેં એ છોકરીને કહ્યું, “બેટા, મમ્મીને કહે કે, ‘નાની ફોઈ’ આવ્યા છે.” ત્યાં સુધી ભોલુ અંકલની પુત્રવધૂ બહાર આવી ગઈ હતી. એ તો મને ઓળખી જતાં બોલી, “નાની બહેન આવો… તમે કંઈ ખબર આપ્યા વગર જ આવી ગયાં.”
“હા, ભાભી, આતો મારી નાનપણની આદત છે. ધીમે પગલે આવવાનું અને પાછળથી ભોલુ અંકલની આંખો દબાવીને બોલવાનું, “બોલો, હું કોણ છું?” અને ભોલુ અંકલ પણ કહેતા, “દિલ ચોરનારો ગોરો ગોરો મારો ચોર છે.” હવે ભોલુ અંકલને કહેતા જ નહીં કે હું આવી છું. એ કેટલા વાગે આવશે ?”
ભાભી મોં પર જાણે કૃત્રિમ હાસ્ય સાથે બોલ્યા, “તમારા ભોલુ અંકલને અહીં ગમે છે જ ક્યાં? એ તો પાછા ગુજરાતમાં વડોદરા જ રહે છે.”
હવે આઘાત લાગવાનો વારો મારો હતો. મને થયું કે ભોલુ અંકલને આવું તે કેવું સૂઝ્યું? જ્યાં કુટુંબ હોય ત્યાં જ સ્વર્ગ હોય. એમનો દીકરો પણ સંસ્કારી, એમનો પડતો બોલ ઝીલે અને એમને એવું તે કેવું મન થયું કે પાછા વડોદરા જતા રહ્યા. હું વિચારતી હતી એ દરમિયાન ભાભીએ મોટાભાઈને ફોન કરી મારા આગમનના સમાચાર આપી દીધા, તેથી મોટાભાઈ દસ મિનિટમાં જ ઘેર આવી ગયા; બોલ્યા પણ ખરા, “આજે મને ઓફિસથી નજીક ઘર રાખવાનો ફાયદો સમજાયો. તારી ભાભીએ કહ્યું કે, “નાની બહેન આવ્યા છે.” એટલે મારું બધું જ કામ છોડીને આવી ગયો.
મોટાભાઈ અલકમલકની વાતો કરતા, પણ મારું મન તો ભોલુ અંકલને જ શોધતું હતું. મોટાભાઈ મારા મનની વાત વાંચી શકતા હોય એમ બોલ્યા, “નાની, તારે પપ્પાને મળવું છે ને? ચલ તને ફોન પર વાત કરાવું.”
હું બહુ જ ખુશ થઇ ગઈ. જયારે ભોલુ અંકલ સાથે વાત થઇ ત્યારે બોલ્યા, “બેટા અહીં હું બહુ જ ખુશ છું. અહીંનુ કુદરતી સૌંદર્ય જોઇને તું તારું અમેરિકા ચોક્કસ ભૂલી જઈશ. અહી આંબાવાડી છે. ઝરણું બનાવ્યું છે અને અહીંના બાગમાં બેસવાથી તો આખો દિવસ ક્યાં પસાર થઇ જાય એ જ ખબર ના પડે. તું આવ, થોડા દિવસ આપણે બાપ-દીકરી જોડે રહીએ.”
“હું કાલે સવાર સુધી આવી જઈશ. અંકલ, મને પાંખો હોત તો અત્યારે ઉડીને તમારી પાસે આવી ગઈ હોત, પણ શું કરું? ટેક્સી મળશે કે તરત સવારે આવી જઈશ.” છેલ્લે મોંમાંથી શબ્દ સરી પડ્યા, “ભોલુ અંકલ, તમને ત્યાં ગમે છે?”
મારું વાક્ય પૂરું થતાં પહેલાં જ એ બોલ્યા, “બેટા તું નાની હતી ત્યારે હું તને એક બાળકાવ્ય શીખવાડતો હતો કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ આંબાડાળે, પોપટ સરોવરની પાળે, પોપટ કાચી કેરી ખાય, પોપટ લીલા લહેર કરે. તને યાદ છે ને? બસ, તારા ભોલુ અંકલને એવું જ છે, એ બધા મિત્રો સાથે લીલા લહેર કરે છે.”
ભાઈ-ભાભીના આગ્રહ છતાંય હું બીજે દિવસે સવારે વડોદરા જવા નીકળી હતી ત્યારે મને થયું કે ભાઈની દીકરી મને આંટી… આંટી… કરતી હતી. મેં બે એક વાર કહ્યું પણ ખરું કે હું તારી નાની ફોઈ છું પણ એ આંટી જ કહેતી હતી. જે મીઠાશ નાની ફોઈ શબ્દમાં છે એ મીઠાશ આંટી શબ્દમાં ક્યાં છે.
વિચારોમાં ને વિચારોમાં ક્યાં વડોદરા આવી ગયું એ જ ખબર ના પડી. ટેક્સીવાળાએ કહ્યું, “બહેન વૃદ્ધાશ્રમ આવી ગયો.”
“વૃદ્ધાશ્રમ” શબ્દ સંભાળતાં જ હું ચમકી, શું ભોલુ અંકલ વૃદ્ધાશ્રમમાં રહે છે? મને તો કહેલું કે, “પપ્પા, ‘આનંદ-મંગલ ભવન’માં રહેવા ગયા છે. મેં તો માનેલું કે કોઈ રિસોર્ટમાં ભોલુ અંકલ રહેવા ગયા હશે.
હું ભોલુ અંકલની રૂમ પર પહોંચી ત્યારે એમના રૂમમાં લગભગ એમની ઉંમરના જ કાકા હતા. મને જોતાં જ બોલ્યા, “તમે, ભોળાભાઈનાં દીકરી છો ને? તમે અમેરિકાથી આવ્યા છો?” મેં હકારમાં માથું ધુણાવ્યું પણ મારી આંખો ભોલુ અંકલને જ શોધતી હતી તેથી જ એ વ્યક્તિએ મને કહ્યું, “બેન, તમે બેસો, ભોળાભાઈ સવારથી નીકળી ગયા છે. કહેતા હતા કે હું એટીએમમાંથી પૈસા ઉપાડીને સોનીને ત્યાં જઈશ. મારી દીકરી ઘણા વરસે આવી છે. એના માટે હું સોનાનો દાગીનો લઇ આવું છું. પણ બેન, તમે બેસો બાર વાગ્યા પહેલા તમારા અંકલ આવી જશે. કારણ બાર વાગ્યે જમવાનો બેલ વાગે. મોડું થાય તો નીચે કેન્ટીનમાં પૈસા ખર્ચીને જમવું પડે. કાલે આખી રાત ભોળાભાઈએ તમારી વાતો કરી છે. આજે તમને જોઈને આવું લાગ્યું કે હું તો તમને વર્ષોથી ઓળખું છું.”
એ વ્યક્તિ એટલી લાગણીસભર વાત કરતી હતી તેથી જ મારાથી પૂછાઈ ગયું, “પણ દીકરા-વહુ-પૌત્રી બધાંને છોડીને અહીં આવતાં એમનો જીવ કેમનો ચાલ્યો? મોટાભાઈતો ખૂબ પ્રેમાળ છે. વડોદરાનો મોહ શા માટે? જ્યાં આપણું કુટુંબ ત્યાં સ્વર્ગ. હવે હું ભોલુ અંકલને પાછા મોટાભાઈ પાસે રહેવા લઇ જઈશ.”
એ કાકા ઉદાસ સ્વરે બોલ્યા, “બેન તમે આવી કલ્પના ના કરો. ગયા મહિને ભોળાભાઈ સખત બીમાર હતા. મેં જ એમના દીકરાને ફોન કરેલો એમની પુત્રવધૂ બીજે જ દિવસે આવી અને બોલી, “હવે ઘેર પાછા આવવા માટે આવા બધા ઢોંગ કરવાનું છોડી દો. અહી સારા ડૉકટરો આવે છે. છતાંય તમારે ઘેર આવવું છે? આ ઉંમરે મોહમાયા છોડી ભગવાનનું નામ લો. તમને અઢળક પેન્શન મળે છે. તમે તમારું ફોડી લો. અમને અમારી રીતે જીવવા દો અને અમારું લોહી પીવાનું છોડી દો. હવેથી અમને ફોન કરતા નહી.”
“ગઈ કાલે દીકરાનો ફોન આવ્યો ત્યારે એ ખુશ હતા. પુત્રવધૂએ ધમકી આપી છે કે તમારા દીકરાને મારા વિરુદ્ધ ચાડી ચુગલી કરતા નહીં, નહીં તો એનું પરિણામ ખરાબ આવશે.” એના શબ્દેશબ્દમાં ક્રોધ પ્રગટતો હતો. અહીં તો બધાં વૃદ્ધો જ રહે છે એટલે કોણ કોનું કરે? અહીં આવનાર દરેક વ્યક્તિ એમના સંતાનોથી તરછોડાયેલી છે. પણ હવે મૃત્યુ સુધી દિવસો પસાર કરવા પડશે ને?
વાતો ચાલતી હતી ત્યાં જ બાર વાગ્યાનો જમવાનો ઘંટ વાગ્યો. એ વૃદ્ધ નિસાસો નાંખતા બોલ્યા, “હવે ભોળાભાઈને કેન્ટીનમાં જઈ પૈસા ખર્ચીને જમવું પડશે. આ સમયે હાજર ના રહો તો ખાવાનું મળે નહીં. હમણાં બીમાર હતા ત્યારે તો ત્રણ ચાર દિવસો સુધી બિલકુલ જમ્યા નહોતા. અહીં કોઈને કોઈની પડી નથી. બિચારા… ભોળાભાઈ… એમનું તો કોઈ જ જાણે કે નથી.”
એ વૃદ્ધ જતા રહ્યા પરંતુ એમના શબ્દો મારા માનસપટ પર અથડાતા રહેતા હતા શું ભોલુ અંકલનું કોઈ નથી? મેં પણ આટલા વર્ષોમાં ક્યાં એમની ખબર લીધી છે અને માત્ર ફોન પર ખબર પૂછવાથી કંઈ તમારી જવાબદારીઓની ઇતિશ્રી નથી થઇ જતી. આવા બધા વિચારો આવતાં મારી આંખોમાંથી આંસુ સારી પડ્યાં. ત્યાં જ ભોલુ અંકલ રૂમમાં પ્રવેશ્યા. વર્ષો પછી એમને જોયા હતા. મોં પર કરચલીઓ પડવા માંડી હતી. વાળનો રંગ કાળાને બદલે સફેદ થઇ ગયો હતો. થોડાક વળી ગયા હતા. ટેકા માટે હાથમાં લાકડીનો સહારો લીધો હતો. મારું મન બોલી ઊઠ્યું. “ક્યાં ગયા ટટ્ટાર ચાલવાળા ભોલુ અંકલ?”
દોડીને હું ભોલુ અંકલને વળગી પડી. એમના હાથમાંથી લાકડી લઇ લીધી. હું તો લાગણીના આવેશમાં આવી ગઈ હતી, ત્યારે મારા મોંમાંથી ‘ભોલુ અંકલ’, શબ્દ નીકળવાને બદલે હું બોલી ઉઠી, “પિતાજી…” જે શબ્દ મારા હૃદયમાંથી નીકળ્યો હતો. આત્મીયતા દર્શાવતો હતો, પિતાજી… શબ્દ બોલવાથી જાણે વર્ષોનું અંતર સેકંડોમાં ઓગળી ગયું.
ભોલુ અંકલને જોતાં જ હું બોલી ઉઠી, “બાર વાગી ગયા હવે તમારે જમવાનું શું?”
“બેટા, તું મને એટલો સ્વાર્થી સમજે છે કે હું તને મૂકીને જમવા જઉં? આજે તો આપણે બંને સાથે જ જમીશું. અહીંની કેન્ટીન ચોવીસ કલાક ચાલુ હોય છે.”
અમે કેન્ટીનમાં ગયા. ઊતરતી કક્ષાનું ભોજન હતું છતાં પણ ભોલુ અંકલ પ્રેમથી આરોગી રહ્યા હતા. અમે રૂમ પર આવ્યા ત્યારે એમની રૂમમાં એમની સાથે રહેતા વૃદ્ધ આવી ગયા હતા. અમને જોતાં જ બોલ્યાં, “આજે તો કેન્ટીનનું ખાવાની મજા આવી ગઈ હશે. બાકી અહીંનું ખાવાનું તો ગળે માંડ માંડ ઉતારીએ છીએ.”
આ સાંભળતાં જ હું ચમકી. કેન્ટીનનું ખાવાનું આટલી ઉતરતી કક્ષાનું હતું તો શું એમને મળતું ખાવાનું આથી પણ ઉતરતી કક્ષાનું હશે? અરે અત્યાર સુધી આંટીના હાથની જમેલી રસોઈ ક્યાં અને ક્યાં અહીંનું ભોજન?
હું ઊભી થઇ અને ભોલુ અંકલનો સામાન કબાટમાંથી કાઢવા માંડી. મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, “હવે હું તમને અહીં રહેવા નથી દેવાની. મારા પિતાજી મારી સાથે જ રહેશે.”
પરંતુ ત્યાં જ ભોલુ અંકલ બોલી ઉઠ્યા, “બાપ દીકરીને ત્યાં ન રહે. અરે બાપ તો દીકરીના ઘરનું પાણી પણ ના પીવે.”
“પિતાજી… એ જમાનો ગયો. તમારે મારી સાથે જ રહેવાનું છે. હવે હું તમને અહીં રહેવા નહીં દઉં.”
“બેટા, જો પક્ષીઓ સાંજ પડે જ ટોળામાં જ પાછાં જતાં રહે છે. આ તો મારા અંતિમ દિવસો છે. હું અહીંના મારા મિત્રો સાથે જ રહીશ. ઈશ્વરને ત્યાંથી આવ્યો છું અને ઈશ્વરને ત્યાં જ પાછા જવાનું છે. અહીં હું સુખી છું. મેં જ તને કહેલું એમ પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી… બાકીના દિવસો હું અહીં જ પસાર કરીશ. અહીં આશ્રમમાં મારી ભૂખ-તરસ સંતોષાય છે. હું નથી ભૂખ્યો રહેતો કે નથી તરસ્યો રહેતો, હું લીલા લહેર કરું છું.”
આંખોના આંસુ લૂછતાં હું રૂમની બહાર નીકળી ટેક્સીમાં બેસી ગઈ.
No comments:
Post a Comment
Any Message frome Awesome Creative